બુક્સ એટલે વિચારોનો ભંડાર અને એ પણ અલગ અલગ અઢળક વેરાયટી સાથે. આપણને જે વેરાયટી ગમે તેનો સ્વાદ માણવાનો અને એના સ્વાદમાં તરબતર થઈ જવાનું. કોઈનો સ્વાદ એટલો બધો ગમી જાય ને ફરી ફરી માણવાનું ય ગમે. આ બુક્સ એ વળી આપણી અંદર કંઈક તો બદલી જ દે (માનો યા ના માનો) એનો સ્વાદ માણ્યા બાદ આપણે પહેલા જેવા રહેતા નથી. આ છે પુસ્તકોની તાકાત ને કહો કે શબ્દોની તાકાત કે વળી કલમની તાકાત. કોઈ એક શબ્દ, લીટી, પેરેગ્રાફ કે આખુ પાનું હ્દયને સ્પર્શી જાય ને પછી એ શરીરમાં ઓક્સિજનની માફક વ્યાપ્ત થઈ જીવન અર્પી જાય.
એમાં કેટલાક પન્નાઓમાં કોઈનું આખુ જીવન સમાય જાય, તો વળી થોકબંધ વિચારો કેટકેટલાય વર્ષો જુના લખનાર ન રહ્યા હોય પણ આપણને એ પુસ્તકમાં મળી જાય. આજેય કંઈ લખાય તો આવનાર કેટકેટલાય વર્ષો સુધી લેખકના જીવન બાદ પણ તેને અમરત્વ પ્રદાન કરે છે પુસ્તકો. યુગો યુગોના પરિવર્તનના સાક્ષી રહ્યા છે પુસ્તકો અને આવનારા યુગો યુગો સુધી ચિરંજીવી રહેશે જ પુસ્તકો. જ્યારે કોઈ પણ ન હોય ત્યારે પણ પુસ્તકો આપણો સથવારો બને છે ને તે ડિમાન્ડીંગ નથી અને સૌથી સારા વફાદાર મિત્ર છે. તે પ્રેમનું પર્યાય છે કેમકે તેનો સ્વભાવ માત્ર આપવાનો જ છે.
~ 'અનાયાસ' નિકુંજ
