Friday, July 8, 2022

#ARTICLE_OF_THE_DAY - #15 : એક અનોખા દોસ્ત : પુસ્તકો

 


બુક્સ એટલે વિચારોનો ભંડાર અને એ પણ અલગ અલગ અઢળક વેરાયટી સાથે. આપણને જે વેરાયટી ગમે તેનો સ્વાદ માણવાનો અને એના સ્વાદમાં તરબતર થઈ જવાનું. કોઈનો સ્વાદ એટલો બધો ગમી જાય ને ફરી ફરી માણવાનું ય ગમે. આ બુક્સ એ વળી આપણી અંદર કંઈક તો બદલી જ દે (માનો યા ના માનો) એનો સ્વાદ માણ્યા બાદ આપણે પહેલા જેવા રહેતા નથી. આ છે પુસ્તકોની તાકાત ને કહો કે શબ્દોની તાકાત કે વળી કલમની તાકાત. કોઈ એક શબ્દ, લીટી, પેરેગ્રાફ કે આખુ પાનું હ્દયને સ્પર્શી જાય ને પછી એ શરીરમાં ઓક્સિજનની માફક વ્યાપ્ત થઈ જીવન અર્પી જાય. 

એમાં કેટલાક પન્નાઓમાં કોઈનું આખુ જીવન સમાય જાય, તો વળી થોકબંધ વિચારો કેટકેટલાય વર્ષો જુના લખનાર ન રહ્યા હોય પણ આપણને એ પુસ્તકમાં મળી જાય. આજેય કંઈ લખાય તો આવનાર કેટકેટલાય વર્ષો સુધી લેખકના જીવન બાદ પણ તેને અમરત્વ પ્રદાન કરે છે પુસ્તકો. યુગો યુગોના પરિવર્તનના સાક્ષી રહ્યા છે પુસ્તકો અને આવનારા યુગો યુગો સુધી ચિરંજીવી રહેશે જ પુસ્તકો. જ્યારે કોઈ પણ ન હોય ત્યારે પણ પુસ્તકો આપણો સથવારો બને છે ને તે ડિમાન્ડીંગ નથી અને સૌથી સારા વફાદાર મિત્ર છે. તે પ્રેમનું પર્યાય છે કેમકે તેનો સ્વભાવ માત્ર આપવાનો જ છે. 

~ 'અનાયાસ' નિકુંજ


Saturday, October 2, 2021

ઈશ્વર પાસે શું કશુંય માંગવુ જોઈએ? અને માંગીએ તો શું માંગવુ જોઈએ?

જય શ્રીક્રિષ્ના.
સૌપ્રથમ તો એ વિચાર આવે કે શું ઈશ્વર પાસે ખરેખર કશુય માંગવું જોઈએ ? પરમાત્મા જેમણે આ સૃષ્ટીનું સર્જન કર્યું  તેમણે શું આપણને ઘણું બધું આપી નથી દીધું ? જો હા, તો પછી ઈશ્વર પાસે શુંકામ કંઈ માંગવું પડે? અને જો ના, તો પછી ખરેખર ઈશ્વર પાસે શું કશુંય માંગવું જોઈએ ?
શું આપણે ઈશ્વર પાસે  બંગલો, ગાડી, નોકરી, પૈસા, વગેરે  માંગવું જોઈએ ? કે પછી કંઈ અન્ય માંગવું જોઈએ ? શું ઈશ્વર આપણને જે માંગીએ તે આપી દેશે ? શું તેના માટે આપણે કોઈ પુરુષાર્થ નહીં કરવો પડે ?
પુરુષાર્થ વગર ભાગ્ય પણ સાથ નથી આપતું તો કર્મ કર્યા વગર જ ઈશ્વર આપણને કંઈક આપી દે તેવું શુંકામ ઈચ્છવું ? તેવું કંઈ પણ માંગવા કરતા ખરેખર શું માંગવું તે એક મહાન વ્યક્તિનો આ વિચાર જે મને ખૂબ ગમ્યો તે વાંચો:

"ભગવાન તું મને બધું આપ તેવું માંગવાને બદલે હું બધું મેળવી શકું તે માટે પુરૂષાર્થ કરવાનું બળ મને આપ તેમ માંગવુ જોઈએ."

ક્યાંક આ પણ વાંચ્યું હતું કે, "જો ઈશ્વરે કોઈ વ્યક્તિને કંઈ નથી આપ્યું તો એ એટલાં માટે કે ઈશ્વર જાણે છે કે તે વ્યક્તિ પોતાની જાતે જ બધું મેળવી લેશે." (જોકે ઈશ્વરે તેને તે માટે ક્ષમતા આપી)

~ ' અનાયાસ ' નિકુંજ

Sunday, August 29, 2021

હોસ્ટેલ જીવનની યાદ

હોસ્ટેલમાં ભણતા ત્યારે વેકેશનમાં ઘરે જવાનું હોય ત્યારે ઘરે જવાની આગલી રાતે સુતા જ નય અને કેવા આખી રાત જાગતા !
કેટલા બધા સમય પછી ઘરે જવાનું થતું એટલે હરખ જ એટલો બધો હોય કે ઘરે જવાની આગલી રાત્રે ઊંઘ જ ન આવતી. કેવી અલગ દુનિયા અલગ જિંદગી હતી એ હોસ્ટેલ જીવનની. યાદ છે આવો કોઈ અનુભવ તમને ય ?
~ ' અનાયાસ ' નિકુંજ

Sunday, March 8, 2020

Happy Women's Day 2020

હું તારી વિશે શું કહું?, તારી લીધે આ દુનિયામાં હું છું, તે મને પ્રેમના પાઠ ભણાવ્યા છે, તે મને મારી ભૂલ પર ખીજાઈને સત્ય અસત્ય, સારા-નરસાનુ ભાન કરાવ્યું છે. બસ એટલું જ કહીશ કે તું છે તો હું છું. આ ખાસ દિવસ મારા મમ્મી ,બહેન તેમજ મારા જીવનમાં મને મળેલ દરેક સ્ત્રીને તથા વિશ્વની દરેક સ્ત્રીને સમર્પિત. 
- નિકુંજ ડોબરીયા 'અનાયાસ'
#anaayaas_nikunj

Sunday, October 27, 2019

#SpecialDayPost : Happy Diwali & Happy New Year


દર વર્ષે દિવાળી અને બેસતું વર્ષ આવતા રહે છે. મૂળ તો માણસ એટલે તહેવારોનો જીવ છે અર્થાત્ આપણાં જીવનમાં તહેવારોનું ખુબ જ મહત્વ રહેલું છે. આ વર્ષે વળી શું નવું છે આ તહેવારોમાં? શું કંઈક ખાસ છે આ દિવાળી અને નવા વર્ષમાં? (સ્વયં વિચાર કીજિએ.) કોઈક શ્રેષ્ઠ વિચાર શોધી કાઢો કંઈક તો પોઝિટિવ મળી જ રહેશે.  દિવો પ્રગટાવીને બહાર અંજવાળું થશે પણ આપણી અંદરના અંધકારને દુર કરવાનો પવિત્ર પર્વ એટલે જ દિવાળી છે. વિતેલા સમયમાં જે કામો નથી કર્યા તે હવે કરવાનો સમય આવી જ ગયો છે. ક્ષિતિજની પેલેપાર પણ દુનિયા છે જ મારા દોસ્ત,  માત્ર દેખાય ત્યાં સુધી જ કંઈ દુનિયાનો છેડો નથી. જીવન ઉત્સવ છે પ્રેમનો ઉત્સવ અને જીવન સફર છે પ્રેમની અનંત સફર. જે પણ ક્ષણ કુદરતના પ્રેમમાં તરબતર થઈને  ઈશ્વરમય થઈ જીવી જાણી તે જ આપણી પાસે જમા થવાની બાકીના દિવસોમાં માત્ર તારીખિયાંના પત્તા જ બદલાશે. ચાલ હવે હેપ્પી દિવાળી અને નવા વર્ષ વિક્રમ સંવત ૨૦૭૬ ના જયશ્રી ક્રિષ્ના. 

ક્લાઈમેક્સ:
ખુદને આ કહો, "આ જ ક્ષણથી મારાં જીવનને કોઈ પણ સંજોગોમાં બદલવાનો પ્રચંડ સંકલ્પ કરું છું".

~નિકુંજ ડોબરીયા 'અનાયાસ!' 

Blog: nikunjdobareeya.blogspot.com